Last Updated:
સાવરકુંડલામાં નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો આપવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આ હોસ્પિટલમાં આધુનિક બિલ્ડિંગ, અત્યાધુનિક લેબોરેટરી અને વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
સાવરકુંડલામાં નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો આપવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે. આ હોસ્પિટલમાં આધુનિક બિલ્ડિંગ, અત્યાધુનિક લેબોરેટરી અને વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. સાથે જ ભવિષ્યમાં વિવિધ રોગોની સારવાર માટે નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં પણ આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા માટે આ સદનસીબની વાત છે કે રાજ્ય સરકારના માધ્યમથી શહેરને જિલ્લા હોસ્પિટલનો દરજ્જો મળવા જઈ રહ્યો છે. જ્યારે કોઈ હોસ્પિટલ જિલ્લા કક્ષાની હોય ત્યારે સમગ્ર જિલ્લામાંથી દર્દીઓ ત્યાં સારવાર માટે આવતા હોય છે. તેથી આવી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને યોગ્ય વ્યવસ્થાઓ હોવી ખૂબ જ જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ હોસ્પિટલના નિર્માણ માટે ₹55 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે તાજેતરમાં જ હોસ્પિટલના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં હોસ્પિટલનું કામ આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં અહીં વિવિધ તબીબી શાખાઓના નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

ધારાસભ્ય મહેશ કસવાલાના જણાવ્યા અનુસાર, કિડની સહિતના વિવિધ ગંભીર રોગોની સારવાર માટે અત્યાર સુધી અનેક દર્દીઓને રાજકોટ અથવા અમદાવાદ જવું પડતું હોય છે. પરંતુ સાવરકુંડલામાં સુપર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયા બાદ અહીં જ વિવિધ રોગોની સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ઊભી થશે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોનો સમય, મુસાફરીનો ખર્ચ અને અન્ય મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક બિલ્ડિંગ, આધુનિક લેબોરેટરી અને જરૂરી તબીબી સુવિધાઓ માટે સહયોગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, થોડા સમય પહેલાં જ સાવરકુંડલાની આ જ હોસ્પિટલના સંકુલમાં અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક પણ શરૂ કરવામાં આવી છે, જે આરોગ્ય સેવાઓની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પગલું છે.
ધારાસભ્યએ આ વિકાસકાર્ય માટે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ₹55 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ સુપર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ભવિષ્યમાં સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આરોગ્યની દૃષ્ટિએ આશાનું નવું કેન્દ્ર બની શકે છે. હોસ્પિટલ કાર્યરત થયા બાદ સ્થાનિક સ્તરે આધુનિક સારવારની સુવિધાઓ વધવાની સાથે સમગ્ર અમરેલી જિલ્લાના આરોગ્ય માળખાને પણ નવી દિશા મળવાની સંભાવના છે.

