Top 220 News Portals in India
Home » રમતો » જેલમાંથી છોડવવા પોલીસ-કોર્ટમાં લાખોનો ‘વહીવટ’? કોણ છે રાજકોટના આ ત્રણ ભેજાબાજ પત્રકાર? | રાજકોટ

જેલમાંથી છોડવવા પોલીસ-કોર્ટમાં લાખોનો ‘વહીવટ’? કોણ છે રાજકોટના આ ત્રણ ભેજાબાજ પત્રકાર? | રાજકોટ

Share This News

 

Last Updated:

રાજકોટના ગોંડલમાં પતિને જેલમાંથી છોડાવવા અને જામીન અપાવવાના નામે પોલીસ, કોર્ટ અને જેલમાં વહીવટ કરવાના બહાને સોનલ ઢોલ પાસેથી રૂ. 26 લાખ પડાવનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

News18
News18

રાજકોટ: પતિને જેલમાંથી બહાર કઢાવવાની આશામાં એક મહિલાએ રૂ. 26 લાખ ગુમાવ્યાનો ચોંકાવનારો કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે. આશરે બે કરોડ રૂપિયાની ઉચાપતના ગુનામાં પતિ ગોંડલ સબજેલમાં બંધ હોવાથી તેમને જામીન અપાવવાની ખાતરી આપી પોલીસ, કોર્ટ અને જેલમાં ‘વહીવટ’ કરવાના નામે નાણાં પડાવાયાનો આક્ષેપ થયો છે. ગુંદાળા રોડ પર વલ્લભ વાટિકા સોસાયટીમાં રહેતાં સોનલ ઢોલ (42)ની ફરિયાદના આધારે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે પત્રકાર તરીકે ઓળખ આપતા રવિ રામાણી, અજય ડેલાવાળા અને મયુર સોની સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર, સોનલ ઢોલના પતિ ગોંડલની પી.એમ. આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીમાં આશરે બે કરોડ રૂપિયાની ઉચાપતના ગુનામાં તેમનું નામ સામે આવ્યા બાદ તેઓ ફરાર થયા હતા. બાદમાં પોલીસ દ્વારા પકડાતાં તેમને ગોંડલ સબજેલમાં રાખવામાં આવ્યા હતા. પતિ જેલમાં હોવાથી ચિંતિત સોનલ ઢોલને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની આશા આરોપીઓએ બતાવેલી ખાતરીમાં બંધાઈ હતી.

ફરિયાદ મુજબ, જૂન 2024માં સોનલ ઢોલના મામાજી રવજી કાલરિયા, મયુર સોનીને લઈને તેમના ઘરે આવ્યા હતા. મયુર સોનીએ પોલીસ અને કોર્ટમાં કામ કરાવવાની ઓળખાણ હોવાની વાત કરી હતી. ત્યારબાદ ગુંદાળા પુલ નજીક આવેલા એક ડેલે સોનલ ઢોલની મયુર સોની સહિત અન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી. પતિની ધરપકડ થયા બાદ તેમને ફરીથી ત્યાં બોલાવવામાં આવ્યાં હતાં. ત્યાં હાજર રવિ રામાણી અને અજય નામના વ્યક્તિએ સોનલ ઢોલને તેમના પતિની સાથે સસરાનું નામ પણ ગુનામાં ખૂલી શકે તેવી બીક બતાવી હતી. સાથે જ, પતિને એકાદ મહિનામાં જામીન પર છોડાવી દેવાની અને જેલમાં હેરાનગતિ ન થાય તેની ખાતરી આપી હતી. આ માટે પોલીસ, કોર્ટ અને જેલમાં નાણાંનો વહીવટ કરવો પડશે તેમ કહી કુલ રૂ. 26 લાખની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

 

સોનલ ઢોલે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓની વાતોમાં આવીને તેમણે ઘરેથી મળેલા નાણાં, સગાં-સંબંધીઓ પાસેથી લીધેલી ઉછીની રકમ અને સોનાના દાગીના ગીરવે મૂકીને મેળવેલી લોનમાંથી જુદા જુદા તબક્કે નાણાં ચૂકવ્યાં હતાં. 21 જૂને અજયને રૂ. 7 લાખ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 23 જૂને સસરાને પકડવામાં નહીં આવે તે માટે રૂ. 1 લાખ અને 27 જૂને વધુ રૂ. 3 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

આગળ જતાં, 3 જુલાઈએ સોનાના દાગીના ગીરવે મૂકીને રૂ. 6 લાખની લોન લેવામાં આવી હતી. આ રકમમાંથી રૂ. 1 લાખ અજયને અને રૂ. 5 લાખ રવિ રામાણીને આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ પતિને જેલમાં હેરાનગતિ ન થાય તે માટે જેલ તંત્રમાં વહીવટ કરવાના નામે વધુ રૂ. 5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ રકમ પણ સગાં-સંબંધીઓ પાસેથી ઉછીની લઈને ચૂકવી હોવાનો સોનલ ઢોળે આક્ષેપ કર્યો છે.

આરોપીઓએ આપેલી ખાતરી છતાં લાંબો સમય વીતી જવા છતાં પતિને જામીન ન મળતાં સોનલ ઢોલને શંકા ગઈ હતી. આથી તેમણે સમગ્ર મામલે પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. આ અંગે આરોપીઓને જાણ થતાં તેમને અજયના ડેલે બોલાવવામાં આવ્યાં હતાં. ત્યાં કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની તેમજ તેમના પતિને જેલમાં વધુ તકલીફ પડશે તેવી ધમકી આપવામાં આવી હતી. પતિ જેલમાં હોવાથી અને આરોપીઓની ધમકીઓના કારણે અગાઉ ફરિયાદ કરવાની હિંમત થઈ નહોતી, પરંતુ બાદમાં સોનલ ઢોલે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

 

હાલ આ મામલે સોનલ ઢોલની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2), 308(7) અને 351(3) હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રવિ રામાણી સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર પ્રકરણમાં રૂ. 26 લાખની કથિત વસૂલાત, નાણાંની હેરફેર અને આરોપીઓએ આપેલી જામીનની ખાતરી પાછળની હકીકત અંગે વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે લોકશાહીના જમાનામાં પોલીસ, કોર્ટ અને જેલમાં ‘વહીવટ’ના નામે લોકતંત્રના જ ચોથા સ્તંભ તરીકે ઓળખાતા મીડિયાના નામે કથિત રીતે ત્રણ પત્રકારનો આ કાંડ બહાર આવતા રાજકોટમાં હાહાકાર મચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત બોક્સ
How To Print Hindi Newspaper PDF
મતદાન
Are you satisfied with the Hello India 24 ?
Most Read
Gold rate
silver rate
Today Panchang
Cricket Live Score