Top 220 News Portals in India
Home » રમતો » ‘પુત્રના બદલામાં પુત્રની બલી’: નિલેશ વણઝારાનું ઢીમ ઢાળવા 30 લાખ અને 2 મકાનની સોપારી

‘પુત્રના બદલામાં પુત્રની બલી’: નિલેશ વણઝારાનું ઢીમ ઢાળવા 30 લાખ અને 2 મકાનની સોપારી

Share This News

 

Last Updated:

ગરબા રમવા ગયેલા યુવકને માસ્ક પહેરીને આવેલા શખસોએ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મામલે હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, અગાઉની અદાવતની ખાર રાખી પુત્રની હત્યાનો બદલો વાળવા પુત્રની બલિ ચડાવવામાં આવી હતી.

પુત્રના મોતનો બદલો લેવા ગરબા જોવા આવેલા યુવકની હત્યા
પુત્રના મોતનો બદલો લેવા ગરબા જોવા આવેલા યુવકની હત્યા

વડોદરા: શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સોમાતળાવ ચાર રસ્તા પાસેના સ્વાગત પાર્ટી પ્લોટ બહાર નવરાત્રી દરમિયાન ખેલાયેલા લોહીયાળ ખેલ અને સનસનાટીભર્યા હત્યાકાંડનો વડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. જૂની અદાવતમાં પુત્રના મોતના બદલાની આગમાં અંધ બનેલા પિતાએ રૂ. 30 લાખ રોકડા અને મકાનની લાલચ આપી સોપારી કિલર મારફતે 24 વર્ષીય નિલેશ વણઝારાની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ કાવતરામાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોઢા પર માસ્ક પહેરીને આવેલા શખસે અચાનક ચપ્પુ પરોવી દીધું

બનાવની વિગત અનુસાર, કિશનવાડી વુડાના મકાનમાં રહેતો નિલેશ વણઝારા સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરબા જોવા માટે બાઇક લઈને પહોંચ્યો હતો. પાર્ટી પ્લોટ બહાર બાઇક પાર્ક કરીને બેઠેલા નિલેશ પર મોઢા પર માસ્ક પહેરીને આવેલા શખસે અચાનક ચપ્પુ વડે તાબડતોબ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા નિલેશને સોમાતળાવ જનરક્ષક 112ની ટીમ અને કપુરાઈ પોલીસ દ્વારા તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે નિલેશના હત્યારાને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી

પુત્રની અચાનક વિદાયથી વણઝારા પરિવાર અને સમગ્ર સમાજમાં ભારે આક્રોશ અને શોકની કાળી ડિબંગ છાયા વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને DCP અભિષેક ગુપ્તા, PI ડી.સી. રાઓલ અને LCB ઝોન-3 ના PSI એસ.એ. ફુલધારાની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાટ શરૂ કરાઈ હતી.

 

તપાસ દરમિયાન મુખ્ય હુમલાખોર પુનમ વણઝારાની ઓળખ થઈ

પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના 100થી વધુ CCTV ફૂટેજ તથા CDR એનાલિસિસ તપાસ્યા હતા. તપાસ દરમિયાન મુખ્ય હુમલાખોર પુનમ અમરસિંહ વણઝારાની ઓળખ થઈ હતી. મોબાઈલ બંધ કરીને ભાગી છૂટેલા પુનમને પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી મહિસાગર જિલ્લાના લુણાવાડા નજીકથી ઝડપી પાડ્યો હતો.

30 લાખ રોકડા અને મકાન આપવાની લાલચે સોપારી આપી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પુનમે ચોંકાવનારી કબૂલાત કરી હતી. ત્રણ મહિના પહેલાં બાપોદમાં મુખ્ય કાવતરાખોર વિક્રમ વણઝારાના પુત્ર સુમિતની હત્યા થઈ હતી, જેનો મુખ્ય આરોપી મૃતક નિલેશનો ભાઈ અજય વણઝારા છે અને તે હાલ જેલમાં છે. પુત્રની હત્યાનો બદલો લેવા વિક્રમે પુનમને આર્થિક મદદ કરવાની સાથે રૂ. 30 લાખ રોકડા અને મકાન આપવાની લાલચે સોપારી આપી હતી.

પાર્ટી પ્લોટ બહાર બેઠેલા નિલેશની રેકી કરી ઓળખ કરાવી

આ પ્લાન મુજબ જામ્બુવા બ્રિજ પાસેની હોટેલમાંથી ચપ્પાં ખરીદવામાં આવ્યા હતા અને બનાવના દિવસે સહ-આરોપી વિજયે સ્વાગત પાર્ટી પ્લોટ બહાર બેઠેલા નિલેશની રેકી કરી ઓળખ કરાવી હતી. ત્યારબાદ વિક્રમે પૂનમને બાઈક અને ચપ્પુ આપ્યું હતું, જેની પાછળ સતીશ ઉર્ફે ગલ્લો રિક્ષા લઈને પહોંચ્યો હતો. નિલેશ પર હુમલો કર્યા બાદ પૂનમ રિક્ષામાં ચપ્પુ સંતાડીને ફરાર થઈ ગયો હતો.

 

આરોપીઓના રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે

હાલ પોલીસે આ કેસમાં કાવતરું રચનાર, મદદગારી કરનાર અને હત્યાને અંજામ આપનાર તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગુનામાં વપરાયેલું ચપ્પુ અને મોબાઈલ ફોન કબજે કરી, આરોપીઓના રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તેમજ વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત બોક્સ
How To Print Hindi Newspaper PDF
મતદાન
Are you satisfied with the Hello India 24 ?
Most Read
Gold rate
silver rate
Today Panchang
Cricket Live Score